ગઝલ
ગઝલ
ફારસીના દરબારમાંથી નીકળી,
ઉર્દૂની ગલીઓમાં ફરી,
ને એક દિવસ
ગુજરાતના કોઈ ગામના
ઓટલે આવીને બેઠી.
અહીં
ન સાકી હતો,
ન જામ,
ન મયખાનું.
એટલે એણે
છાશનો પ્યાલો પીધો,
તુલસીક્યારે દીવો જોયો,
ને કોઈ ખેડૂતની
ભીની આંખમાં
પોતાનો નવો રદીફ શોધી લીધો.
હવે
એ મહેફિલમાં ઓછી
ને માણસમાં વધારે
રહે છે.
– પરાગ રતનપરા