છે સમય
ચાલતો ચુપચાપ ને ના કૈં ય બોલે છે સમય,
ત્રાજવે સૌને બરાબર એક તોલે છે સમય.
રાજના કે રંકના, સૌ ભેદ સંતાડ્યા ભલે,
આખરે સૌ ગાંઠ ધીમે હાથ ખોલે છે સમય.
એક પળ સુખ, એક પળ પીડા, વચાળે ઝૂલતો,
ભીંત પર લોલક બનીને રોજ ડોલે છે સમય.
છાલ ઊતરતી જશે, ને રસ ઝરી જાશે બધો,
જિંદગીને સંતરું સમજી જ ફોલે છે સમય.
આ પરાગે ફૂલ પર બેસી લખી’તી જે ગઝલ,
એ જ શબ્દોને નદીમાં લઈ ઝકોલે છે સમય.
– પરાગ રતનપરા
#ગઝલ #સમય #કાળ #જીવન #ક્ષણભંગુરતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Time #Transience #LifeAndTime #Philosophy #ParagRatanpara