ગડીઓ
જૂના કબાટના ખાનામાં
હું પડ્યો છું —
એક કાગળ,
ચાર ગડીમાં વળેલો,
જાણે કોઈએ એક વાક્યને
ઠંડીથી બચાવવા ઓઢાડી દીધું હોય.
એક જમાનામાં
મને દીવાના અજવાળે વંચાતો,
ઓશીકા નીચે સુવડાવાતો,
ને સવારે ફરી એ જ લીટી પર
આંગળી ફરતી —
જાણે અક્ષર નહીં, નાડી તપાસતી હોય.
હવે મારી ઉપર
વીજળીનું બિલ છે,
દૂધવાળાનો હિસાબ છે,
ને બાળકે દોરેલો એક કાગડો.
મારી શાહી ઝાંખી પડી છે,
પણ ગડીઓ હજી યાદ રાખે છે
કે ક્યાં ક્યાં
કોઈના હાથ ધ્રૂજ્યા હતા.
કાગળ ભુલાય છે,
ગડીઓ નહીં.
– પરાગ રતનપરા