તું બેઠી
બપોરે ઓસરી પર ઊતરે અજવાસ, તું બેઠી,
ઉઘાડી ગ્રંથની પોથી, ધરીને આસ, તું બેઠી.
અમે બન્નેય વેઠ્યા છે ઘણા વનવાસ જીવનમાં,
નથી ક્યાંયે અયોધ્યા, તોય લઈ વિશ્વાસ, તું બેઠી.
ગણીને આપતી ગોળી, મને ચશ્માં ય દઈ દેતી,
બનાવી સાવ સાદી સાંજને પણ ખાસ, તું બેઠી.
ગયાં સંતાન પરદેશે, થયું ઘર સાવ સૂનું પણ,
હજી ભરચક ઘરે હો એમ દઈ આભાસ, તું બેઠી.
પરાગે એટલું માગ્યું, વિદાયે જે ક્ષણે જાઉં,
રહે છેલ્લી નજર સામે, ઘટે જ્યાં શ્વાસ, તું બેઠી.
– પરાગ રતનપરા
#ગઝલ #દાંપત્ય #વૃદ્ધાવસ્થા #અંતિમઇચ્છા #સાથ #પરાગરતનપરા
#GujaratiGhazal #LifelongCompanion #OldAge #LastWish #Togetherness #ParagRatanpara