દિવસ ઢળ્યો
દિવસ ઢળ્યો ને છૂટા પડવા વેળા આવી, સાજન,
કેમ કરી કહું ‘આવજો’? મારું ભારે ભારે મન.
પાદર પરથી ગાયો વળતી, ઊડે ગોરજ ધૂળ,
ડાળે બેઠાં પંખી સૂનાં, સૂનાં બાવળ-શૂળ;
તું ઊભો, હું ઊભી, વચ્ચે ખૂટે ના આ ક્ષણ…
દિવસ ઢળ્યો ને…
તારા ખભે મૂકી હાથ ને મેં તો ગણ્યા શ્વાસ,
આભે ઊગ્યો પહેલો તારો, જાણે છેલ્લી આશ;
બોલ્યા વિના બોલી દીધું બેઉ જણનું મૌન…
દિવસ ઢળ્યો ને…
પરાગ કહે: દિન અસ્ત થયો તો ફરી ઊગશે ભોર,
વિદાય પણ એક સાંજ જ છે, ના બાંધો આંસુ-દોર;
કાલ સવારે મળશું પાછાં, આ ધરતીનું વચન…
દિવસ ઢળ્યો ને…
– પરાગ રતનપરા