ગાંધીની લાકડી
સંગ્રહાલયના કાચની પેટીમાં
ગાંધીની લાકડી
સીધી ઊભી છે.
નીચે તકતી છે:
‘સ્પર્શ કરવો નહીં.’
સ્કૂલના પ્રવાસે આવેલો
એક છોકરો
કાચ પર નાક દબાવીને પૂછે છે:
‘સર, આ લાકડી
કોને મારવા માટે હતી?’
શિક્ષક હસે છે:
‘કોઈને મારવા નહીં, બેટા,
ટેકા માટે.’
છોકરો વિચારે છે,
પછી કહે છે:
‘તો તો એને
બહાર કાઢવી જોઈએ, સર.
આજે
ઘણાને ટેકાની જરૂર છે.’
લાકડી
કાચની અંદર
થોડી ધ્રૂજી.
કદાચ
આ પહેલી વાર કોઈએ
એને
સંગ્રહાલયમાંથી
રસ્તા પર બોલાવી હતી.
– પરાગ રતનપરા