ફ્લેટમાં આકાશ
અગિયારમા માળે
બે ઓરડાનો ફ્લેટ.
ઍગ્રિમેન્ટમાં લખ્યું હતું:
કાર્પેટ એરિયા — છસો ચોરસ ફૂટ.
આકાશ
એમાં ગણાયું નહોતું.
પણ સાંજે
બાલ્કનીની બે ફૂટ જગ્યામાં
બાએ તુલસી વાવી,
દીકરીએ ચાંદો ચીતર્યો,
ને મારી પત્નીએ
સૂકવવા મૂકેલી ચૂંદડી
પવનમાં
પતંગ જેવી ફરફરી —
ત્યારે સમજાયું
કે બિલ્ડર ભલે ના આપે,
ઘર
પોતાનું આકાશ
જાતે જ
ઉગાડી લે છે.
– પરાગ રતનપરા