ધરતીનો સાડલો
પહેલો વરસાદ
પડ્યો
ને ધરતીએ
જૂનો, ધૂળિયો સાડલો
ઉતારી નાખ્યો.
ખેતરે
લીલી કોર,
વાડે
પીળાં ફૂલનું ભરત,
તળાવે
આભનો આરસો
ને શેઢે શેઢે
ઝાકળનાં મોતી.
ગામ આખું
જોતું રહી ગયું.
ને ત્યાં જ
ખેડુની ઘરવાળીએ
ખીંટીએથી
પોતાનો
વરસોથી થીગડાંવાળો સાડલો ઉતાર્યો,
ખોલ્યો,
ઝાટક્યો,
ને હસીને બોલી:
‘ધરતી પહેરે,
એટલે આપણે પણ પહેરીશું —
આ વરસે.’
– પરાગ રતનપરા