← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફિલ્મ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

થિયેટરમાં અંધારું થયું,
પડદા પર ફિલ્મ શરૂ થઈ.

હીરો રડ્યો,
તો આખું થિયેટર રડ્યું.
હીરો હસ્યો,
તો પોપકોર્ન ઊછળ્યા.

ઇન્ટરવલમાં લાઇટ થઈ,
બાજુની સીટ પર
એક વૃદ્ધ એકલા બેઠા હતા,
આંખ લૂછતા.

મેં પૂછ્યું: ‘ફિલ્મ બહુ ભાવુક છે, નહીં?’
એ બોલ્યા:
‘ના રે, ફિલ્મ તો બકવાસ છે.
આ સીટ પર
ચાલીસ વર્ષ પહેલાં
એ બેઠી હતી,
એટલે આવું છું.’

ફરી અંધારું થયું.
પડદા પર ફિલ્મ ચાલતી રહી,
અને મારી બાજુમાં
બીજી એક ફિલ્મ,
જેની ટિકિટ
ફક્ત એક જ જણ પાસે હતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવિસરી ગયાઆગલો લેખ →છેડાછેડી