ફાઇલ
ફાઇલ ગોળ છે.
ટેબલ નંબર એકથી
ટેબલ નંબર બે,
બેથી ત્રણ,
ત્રણથી ‘સાહેબ રજા પર છે’,
ને ત્યાંથી
પાછી ટેબલ નંબર એક.
ફાઇલમાં
એક ખેડૂતની
જમીન છે,
એક વિધવાનું
પેન્શન છે,
એક છોકરાનું
જાતિનું પ્રમાણપત્ર છે.
ફાઇલ પર
ધૂળ છે,
ચાના કપનું
ગોળ કૂંડાળું છે,
ને એક સહી
ખૂટે છે.
એક દિવસ
ફાઇલ ખોવાઈ ગઈ.
ત્યારે ખબર પડી
કે ખેડૂત,
વિધવા
ને છોકરો
ક્યારના
ગોળ ગોળ ફરતા
પૃથ્વીની બહાર
નીકળી ગયા હતા.
સાહેબે કહ્યું:
‘નવી ફાઇલ બનાવો.’
– પરાગ રતનપરા