ફાઇલ
આ દેશમાં
વરસાદે પણ અરજી કરવી પડે છે.
‘ફૉર્મ નં. ૧૭-ક ભરો,
ત્રણ નકલમાં,
વાદળની ઝેરોક્સ સાથે,
સક્ષમ અધિકારીની સહી કરાવીને.’
વાદળ લાઇનમાં ઊભું છે
ત્રણ ચોમાસાંથી.
ખેડૂતો આકાશ સામે જુએ છે,
સાહેબ ઘડિયાળ સામે.
ગઈ કાલે ફાઇલ આગળ વધી —
ટેબલ નીચેથી.
હવે સાંભળ્યું છે,
વરસાદ પડશે,
પણ પહેલાં
સાહેબના ફાર્મહાઉસ પર.
– પરાગ રતનપરા