← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિનો શબ્દ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તમે મારા શબ્દને
પાંજરામાં પૂરી શકો,
સેન્સરની કાતર ફેરવી શકો,
પુરસ્કારની સાંકળ પહેરાવી શકો.

પણ રાત પડે ત્યારે
એ પાંજરાના સળિયા વચ્ચેથી
ધીમેથી બહાર નીકળે છે,
કોઈ ઝૂંપડીના કોડિયામાં
વાટ બનીને બેસે છે,
કોઈ માના હાલરડામાં
ઊંઘી જાય છે.

સવારે તમે જુઓ છો —
પાંજરું ભરેલું છે.

તમને ખબર નથી,
એમાં તો
ફક્ત એનો પડછાયો છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખફાઇલઆગલો લેખ →વાગે ના