← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એવું પણ બને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એવું પણ બને, સખી, એવું પણ બને,
પથ્થર ફાડીને ફૂલ ઊગે, ને હસી પડે સૌ મને.

સૂકી નદીની રેતમાં જ્યાં કોઈ વીરડો ખોદે,
નીર ફૂટે ને તરસી ગાય આવીને મ્હોં બોળે;
ના ધાર્યું ના માગ્યું, તોય આભ ઝૂકે આંગણે…
એવું પણ બને…

વરસોથી રિસાયેલો ભાઈ, ઓચિંતો ઘેર આવે,
કશું ન બોલે, બસ ચૂલે બેસી રોટલો ચાવે;
માના ફોટા સામે બેઉ જણ, ચૂપચાપ નમે…
એવું પણ બને…

પરાગ કહે: આ જીવતર તો છે અચરજનો મેળો,
ઠેબે ચડ્યો કાંકરો પણ થઈ જાય હીરો પેલો;
આશા રાખજે, કોઈ સવારે, સૂરજ તને ગણે…
એવું પણ બને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઓનલાઇન મંગાવજોઆગલો લેખ →પડી ગાંઠ