← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એટલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘર એટલે —
જ્યાં ચંપલ ઉતારતાં જ
ખભા પણ ઊતરી જાય.

મિત્ર એટલે —
જેને ફોન કરીને
‘કંઈ નહીં, અમસ્તો’ કહી શકાય.

મા એટલે —
જે ‘ભૂખ નથી’ સાંભળીને પણ
થાળી પીરસી દે.

બાપ એટલે —
જે ‘પૈસા છે?’ પૂછતો નથી,
ખિસ્સામાં મૂકી દે છે.

ને ઉંમર એટલે —
આ બધી વ્યાખ્યાઓ
સાચી છે,
એ સમજાય ત્યાં સુધીમાં
ઘણા શબ્દો
ભૂતકાળ થઈ ગયા હોય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજુગાડઆગલો લેખ →સવાર