સવાર
ક્યાં હવે એ બાળપણની આંખ શી ભોળી સવાર?
મા જગાડે સાદ પાડી, દૂધ શી ધોળી સવાર.
ચોકમાં ઊડ્યા ગુલાલો, ઢોલ ધમકે ચોતરફ,
એ ગુલાબી, રંગ ભીની, તરબતર હોળી સવાર.
દીપ ઝળહળ, ફૂલ તોરણ, આંગણે મીઠાઈઓ,
ઉંબરે બા પૂરતી'તી એ જ રંગોળી સવાર.
દફતરો લઈ, ગીત ગાતાં, નીકળી પડતાં બધાં,
એ જ મિત્રોની હસંતી દોડતી ટોળી સવાર.
આ પરાગે ચા ભરી પ્યાલી ધરી છે હાથમાં,
મેં સ્મરણની સાકરે ભીની, ઘણી ઘોળી સવાર.
– પરાગ રતનપરા
#ગઝલ #સવાર #બાળપણ #તહેવાર #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mornings #ChildhoodMornings #FestivalMemories #Nostalgia #ParagRatanpara