એંઠું કરે
જે ધરે છે ભોગ, એ ભગવાનને એંઠું કરે,
ઢોલ પીટીને કરે જે, દાનને એંઠું કરે.
શાસ્ત્ર ગોખીને ફરે છે જે ઘમંડે ગામમાં,
એ જ પોથીપંડિતો, જો, જ્ઞાનને એંઠું કરે.
ભક્તિનાં ગીતો ગવાતાં ભાવ-તાલે મંચ પર,
સૂર વેચી કો' ગવૈયો ગાનને એંઠું કરે.
પાઘડી ઊંચી કરીને શેઠ ફરતા ગામમાં,
ને ગરીબોને ઉતારી માનને એંઠું કરે.
આ પરાગે ફૂલ ચૂંટ્યું દેવ કાજે, તો કહે
ભૃંગ બોલ્યો: ‘તું ય આ ઉદ્યાનને એંઠું કરે.’
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #દંભ #ધર્મ #દેખાડો #પરાગરતનપરા
#GujaratiGhazal #Hypocrisy #ReligiousSatire #ShowOff #TruePiety #ParagRatanpara