અમને રખડુ ન કહેજો
અમને રખડુ ન કહેજો રે લોલ, અમે વાયરાની જાતના,
ઝોળીમાં ગીત ને ખભે એકતારો, અમે ફકીરો રાતના.
ગામને પાદર ઊભા રહીએ, ને કૂતરાં ભસે બે-ચાર,
ભસતાં ભસતાં પૂંછડી પટપટાવે, એવો અમારો વહેવાર;
રોટલો મળે તો રામ, ન મળે તો રામ, અમે સાવ રે અજાતના.
અમને રખડુ ન કહેજો…
મંદિરે જઈએ તો પૂજારી પૂછે, ‘ભાઈ, તમારી શી નાત?’
મસ્જિદે જઈએ તો મુલ્લાં પૂછે, ‘ક્યાંની છે તારી ઝાત?’
અમે કહીએ, ‘વહેતું પાણી પૂછો, એ ક્યાં કોઈ ઘાટના?’
અમને રખડુ ન કહેજો…
ઘર નથી તો આખું આભ અમારું, ધરતી અમારી પથારી,
પરાગ કહે, જે ક્યાંય ન બંધાય, એની જ મ્હેક રે ન્યારી;
અમે તો ફૂલની પાંખડી નહીં, અમે સગા રે સુવાસના.
અમને રખડુ ન કહેજો…
– પરાગ રતનપરા