એની દીકરી
બસસ્ટૅન્ડ પર
વર્ષો પછી એ દેખાઈ.
આંગળીએ
ચાર વર્ષની દીકરી.
અમે બેઉ
‘કેમ છો?’
‘મજામાં’ — એટલું બોલ્યાં,
ને બાકીનું બધું
બસના હૉર્નમાં ઓગળી ગયું.
દીકરીએ મારી સામે જોઈ
જીભ કાઢી.
હું હસી પડ્યો.
એ જ ક્ષણે થયું —
જે કહેવાનું રહી ગયું’તું,
એ બધું
કોઈએ ભૂંસી નાખ્યું નથી;
બસ,
એક નાનકડી હથેળીમાં
સાચવીને
આગળ મોકલી દીધું છે.
– પરાગ રતનપરા