એલાર્મ પહેલાં
ઘરમાં ચાર એલાર્મ છે —
પપ્પાના મોબાઇલમાં,
મારા મોબાઇલમાં,
ભાઈના ટેબલ પર,
ને દીવાલ પરની ઘડિયાળમાં.
પણ મા
કોઈ એલાર્મથી ઊઠતી નથી.
એ ઊઠે છે
દૂધવાળાની સાઇકલની ઘંટડી પહેલાં,
ચકલીની પહેલી ચીં પહેલાં,
અંધારું ઓસરી છોડે એ પહેલાં.
એક દિવસ મેં પૂછ્યું:
‘મા, તને કોણ ઉઠાડે છે?’
એણે ટિફિનમાં રોટલી ગોઠવતાં કહ્યું:
‘તમારી ભૂખ.’
ત્યારથી
ઘરનાં ચારેય એલાર્મ
મને
ઘણાં મોડાં લાગે છે.
– પરાગ રતનપરા