ભીડમાં
આજ રેલીમાં હજારો લઈ દહાડી ભીડમાં,
એ પધાર્યા, ને બધાએ ચીસ પાડી ભીડમાં.
કોણ નેતા, કેમ રેલી, કોઈને પણ ના ખબર,
હાથમાં ઝંડા પરાયા, બસ ઉપાડી ભીડમાં.
ઝૂંપડીમાં જઈ જમી, ફોટા પડાવ્યા ત્યાં ઘણા,
ને ગરીબીને કરી એણે ઉઘાડી ભીડમાં.
ભાષણે તો ત્રણ વખત ભાગી ગરીબી દેશથી,
ઊંઘ લોકોની બધાની બસ બગાડી ભીડમાં.
સાંજ પડતાં આ પરાગે ત્યાં નજર કીધી જરા,
ફૂલ કચડાયાં હતાં, ને સાવ ઝાડી ભીડમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #રેલી #રાજકારણ #ભાડૂતીભીડ #પરાગરતનપરા
#GujaratiGhazal #PoliticalSatire #RallyCrowd #PaidCrowds #EmptySpeeches #ParagRatanpara