એકતારો
તારો સાદ પડે ને ભીતર વાગે એકતારો,
એક જ તાર, ને એક જ સૂર, એ સૂર તારો.
સાત સૂરનાં વાજાં વાગે, ઢોલ, નગારાં, શરણાઈ,
મારે તો એક જ તાર પૂરતો, એમાં તું જ સમાઈ;
દુનિયા આખી ગાતી ભલે, હું ગાઉં તને એકધારો…
તારો સાદ પડે ને…
તૂટે તાર તો ગાંઠ વાળી, ફરી ફરી હું બાંધું,
ગાંઠવાળો સૂર તોય મીઠો, એ જ સગપણ સાંધું;
આંગળીઓ લોહીલુહાણ, તોય ન છૂટે રણકારો…
તારો સાદ પડે ને…
પરાગ કહે: આ કાયા તુંબડું, શ્વાસ એનો તાર,
તું વગાડે ત્યાં લગી વાગે, પછી મૌન અપાર;
છેલ્લો સૂર હશે તો બસ તારા નામનો ઝણકારો…
તારો સાદ પડે ને…
– પરાગ રતનપરા