થાકી ગયો
હું નગરની રોજની આ દોડથી થાકી ગયો,
કોણ આગળ? કોણ પાછળ? હોડથી થાકી ગયો.
રોજ ઊગે એક ઇચ્છા, એક સપનું રોજનું,
ને અધૂરા એ બધાયે કોડથી થાકી ગયો.
હોઠ પર મુસ્કાન, પાછળ ઘાવ, એવા લોકના
આ રમતથી, દાવથી, ને તોડથી થાકી ગયો.
ઘર મહીં સૌ દે સલાહો: ‘આમ કર, ને તેમ કર’,
રોજ કાઢે ભૂલ ને એ ખોડથી થાકી ગયો.
આ પરાગે ઊડવું છે વાયરા સંગાથમાં,
ફૂલ ના, આ મૂળ ને આ છોડથી થાકી ગયો.
– પરાગ રતનપરા
#ગઝલ #થાક #દોડધામ #ઇચ્છા #મુક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Exhaustion #RatRace #Desires #LongingForFreedom #ParagRatanpara