એક સાંજ ઉધાર
અણગમતા દિવસો લઈ લ્યો, ભગવાન,
મને એક સાંજ ઉધાર આપો.
જેમાં ઘડિયાળનો કાંટો ન દોડે, ન ફોનની ઘંટડી વાગે,
જેમાં બાના હાથની ચા હોય, ને બાપુ ઓટલે જાગે;
જેમાં નાનકડી દીકરી મારી ‘પપ્પા’ કહીને માગે…
મને એક સાંજ ઉધાર આપો.
જેમાં જૂના મિત્રો સાથે ગામને પાદર બેસું,
જેમાં તળાવ કાંઠે બેસી કાંકરી નાખી હસું;
જેમાં હું ‘સાહેબ’ નહીં, બસ ‘અલ્યા, પરિયા!’ લાગું…
મને એક સાંજ ઉધાર આપો.
પરાગ કહે: આ આયખું આખું ભલે વેચાઈ જાય,
એક સાંજ સાચી મળે તો જીવતર લેખે થાય;
વ્યાજ સહિત પાછી દઈશ, પ્રભુ, ઊગતા સૂરજ આગે…
મને એક સાંજ ઉધાર આપો.
– પરાગ રતનપરા