← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક રાજા હતો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારા પગમાં કાંટો વાગ્યો ત્યારે
બાપુએ
મને ખાટલે બેસાડ્યો,
સોય ગરમ કરી,
ને બોલ્યા:
‘ખબર છે? એક રાજા હતો…’

હું રાજાની વાતમાં
એવો ખોવાયો
કે કાંટો ક્યારે નીકળ્યો,
ખબર જ ન પડી.

આજે
બાપુ ઇસ્પિતાલના ખાટલે છે —
નાકમાં નળી,
હાથમાં સોય.

હું એમનો હાથ પકડીને
ધીમેથી કહું છું:
‘ખબર છે, બાપુ? એક રાજા હતો…’

બાપુ હસે છે.
અમે બંને જાણીએ છીએ —
આ વખતે
કાંટો નહીં નીકળે.

પણ વાર્તા
પૂરી કરવાની છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખફાગઆગલો લેખ →ચાલ્યા કરું