← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક કારકુનનો બાયોડેટા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નામ: ગમે તે રાખો.
જન્મ: સરકારી દવાખાનામાં, લાઇનમાં.
શિક્ષણ: ગોખીને પાસ થયા,
સમજવાનું પછી રાખ્યું હતું.
નોકરી: ટેબલ નંબર સત્તર,
જ્યાં ફાઈલ આવે છે, ફાઈલ જાય છે,
ને વચ્ચે
પાંત્રીસ વરસ જાય છે.
શોખ: રવિવારે બપોરે ઊંઘવું,
અને સોમવારે
રવિવારને યાદ કરવો.
સિદ્ધિ: હોમલોનનો છેલ્લો હપ્તો —
ઘર પૂરું થયું
ત્યારે ઘરમાં કોઈ રહ્યું નહીં.
ઇચ્છા: એક વાર દરિયો જોવો.
(હજી બાકી છે.)
અવસાન: ફાઈલમાં નોંધાયું,
‘નિવૃત્તિ પછી ત્રણ મહિને, કુદરતી.’

કુદરતી?
આખી જિંદગીમાં
એ એક જ વસ્તુ
કુદરતી થઈ હતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખખખડધજ ડેલીઆગલો લેખ →માટીનું પૂતળું