માટીનું પૂતળું
માટીનું આ પૂતળું રે સાધો, માટીમાં ભળી જાશે,
રંગમહેલ ને રાજખજાના પડ્યા અહીં રહી જાશે…
રેશમ પહેર્યું, ચંદન ચોળ્યું, અત્તર છાંટ્યું અંગે,
અંતે એક જ નનામી, ને ચાર જણા એને સંગે;
ચિતાની ઝાળે સોનું શું, આ કાયા પણ રાખ થાશે…
માટીનું આ પૂતળું…
ગરવ કરે તું શાનો બંદા? શ્વાસ ઉછીના લીધા,
ધરતીનાં તેં અન્ન ખાધાં, ધરતીનાં જળ પીધાં;
દીધું હોય તે સાથે આવે, લીધું અહીં રહી જાશે…
માટીનું આ પૂતળું…
પરાગ કહે: જે ફૂલ બનીને ફોરમ આપી ખરશે,
એની માટી ધન્ય બનીને બીજે ફૂલે તરશે;
નામ ભલે ભૂંસાય, પણ એની સુગંધ ઘરઘર જાશે…
માટીનું આ પૂતળું…
– પરાગ રતનપરા