← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક ઘૂંટડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એવી તે પ્રીત અમે બાંધી રે સાયબા,
ભવની તરસ એક ઘૂંટડે ઉતારી.

નહીં માપ્યું, નહીં તોળ્યું, નહીં પૂછ્યું ગામને,
નહીં જોયો જોશી, નહીં જોયું મુહૂરત ઠામને;
આંખ્યુંએ આંખ્યુંને કીધું કે ‘હા’,
ને અમે તો જાત આખી હારી…
એવી તે પ્રીત…

લોક કહે: ‘ગાંડી, આ તો કડવો છે પ્યાલો,’
મેં કીધું: ‘કડવો હોય તોય વ્હાલો;’
મીરાંએ પીધું એ ઝેર થયું અમરત,
એ જ તો રીત અમારી…
એવી તે પ્રીત…

પરાગ કહે: આ પ્રીત નથી કોઈ ધીમો ઘૂંટ,
એ તો ભરભાદરવે ધોધની ઊભી ઝૂંટ;
જે ડૂબે એ જ તરે, બાકી સૌ
ઊભાં કાંઠે, હાથમાં ઝારી…
એવી તે પ્રીત…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખછે ભીતરઆગલો લેખ →બાની પેટી