બાની પેટી
બાની જૂની પેટીમાં તો સામાન ઘણો છે, ભાઈ,
ખોલું ત્યાં તો ઊડે આખી જિંદગીની રજાઈ.
એક ખૂણે પાનેતર, એની કોર થઈ ગઈ પીળી,
બીજા ખૂણે બાપુજીના પત્રો, શાહી નીલી;
એક પડીકે રાખ્યો છે મારો પહેલો દૂધિયો દાંત, ભાઈ…
બાની જૂની પેટીમાં…
ત્રીજા ખૂણે ચાંદીનું એક ઝાંઝર, જોડ વગરનું,
ચોથે ખૂણે ગામ છૂટ્યાનું દુ:ખ, ભરેલું ઘરનું;
વચ્ચે વાળીને મૂકેલી ધીરજ, ને થોડી ભલાઈ…
બાની જૂની પેટીમાં…
પરાગ કહે: આ પેટી નહીં, આ છે બાનું મન,
તાળું એનું ખોલે એને મળે આખું જીવન;
ચાવી એની ખોવાઈ ગઈ, જે દિ’ બા ગઈ સિધાવી, ભાઈ…
બાની જૂની પેટીમાં…
– પરાગ રતનપરા