← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક છત્રી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક છત્રી ને આપણે બે, વરસાદ, તું ધીમો ના પડજે,
ભીંજવવું હોય તો ભીંજવજે, પણ વચ્ચે આવીને ના નડજે.

તારો ખભો ભીંજાય તો હું છત્રી તારી બાજુ નમાવું,
મારો ભીંજે તો તું ખસે પાસે, એ જોઈ મનમાં હરખાવું;
રસ્તો લાંબો થાજે, ઓ રસ્તા, ક્યાંય ઘર ના જડજે…
એક છત્રી…

ખાબોચિયે તેં ઠેકડો માર્યો, છાંટા મારા ગાલે આવ્યા,
ખડખડ હસતી આંખોએ તો આખા આભને ઘેલા બનાવ્યા;
વીજળી, તું પણ ચમકીને આ ફોટો મનમાં જડજે…
એક છત્રી…

પરાગ કહે: એક છત્રી નીચે, બે જીવની એક દુનિયા,
વરસાદ તો બસ બહાનું છે, બાકી સઘળાં ભીનાં રુદિયાં;
વરસ્યા કરજે જનમ જનમ લગ, આ છત્રી ના ઊડી પડજે…
એક છત્રી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવીજળી ગઈઆગલો લેખ →અર્થ શું?