← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વીજળી ગઈ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગઈ રાતે
આખી સોસાયટીની વીજળી ગઈ.

ટીવી બંધ,
વાઇ-ફાઇ બંધ,
લિફ્ટ બંધ.

બધા બાલ્કનીમાં આવ્યા —
કોઈ પંખો નાખતું,
કોઈ મીણબત્તી શોધતું.

પહેલી વાર
સામેના ફ્લેટવાળા કાકાનું નામ જાણ્યું,
ચોથા માળની દીકરીએ
ગીત ગાયું,
ને છોકરાંઓએ
આકાશમાં સપ્તર્ષિ ગોત્યા.

અડધા કલાકે
વીજળી પાછી આવી.
સૌ ‘હાશ’ કહી
અંદર ચાલ્યા ગયા.

ને અંધારું
બાલ્કનીમાં એકલું
ઊભું રહ્યું —
જાણે આપણને
થોડું વધુ રોકવા માગતું હોય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતાળી મળીઆગલો લેખ →એક છત્રી