ઈશ્વરનું ગૃહકાર્ય
દીકરી લેસન લઈને આવી:
‘પપ્પા, આ દાખલો નથી આવડતો.’
મેં જોયું —
ધરતીમાંથી દરિયો બાદ કરવાનો હતો,
આકાશને માણસ વડે ભાગવાનું હતું,
અને જવાબમાં
શેષ શું વધે, તે લખવાનું હતું.
મેં ચશ્માં સરખાં કર્યાં,
પેન્સિલ છોલી,
રબર શોધ્યું.
પછી કબૂલ્યું:
‘બેટા, આ દાખલો
ઈશ્વરે પોતાની ચોપડીમાંથી આપ્યો લાગે છે.
એનો જવાબ
પાછળનાં પાનાંમાં પણ નથી.’
દીકરી હસી,
ને દાખલાની નીચે
એક નાનું ફૂલ દોરી દીધું.
શિક્ષકે લાલ પેનથી લખ્યું:
‘સાચો.’
– પરાગ રતનપરા