એ લોકો
એ લોકો
શાકમાર્કેટ બંધ થવાના સમયે આવે છે,
જ્યારે ટામેટાં
સસ્તાં થઈ જાય છે —
થોડાં દબાયેલાં,
થોડાં ફાટેલાં.
એ લોકો
દાળમાં પાણી વધારે નાખે છે,
ને વાતમાં
હાસ્ય.
ટીવી પર
મોંઘવારીની ચર્ચા ચાલે છે —
એસી સ્ટુડિયોમાં,
ગરમાગરમ.
એ લોકો
ચર્ચા સાંભળતા નથી.
એમને ખબર છે
એક કિલો લોટમાંથી
કેટલી રોટલી થાય —
ને કેટલા દિવસ.
– પરાગ રતનપરા