દૂર સ્હેજ
સાવ પાસે ના રહો, રાખો જરા તો દૂર સ્હેજ,
ચાંદ જો આઘો રહે, તો ઝળહળે છે નૂર સ્હેજ.
સાથમાં બે વાસણો હો, તો ખખડવાનાં જ, પણ
હોય છેટાં, તો જ ઊઠે છે સુરીલો સૂર સ્હેજ.
ચાંદને અડકી શકે ના, તોય દરિયો જો, ભલા,
રોજ રાતે ઊછળીને થાય છે ચકચૂર સ્હેજ.
જામ પૂરો પી જશો, તો ઊતરી જાશે નશો,
જામ અડધો રાખજો, તો છે નશો ભરપૂર સ્હેજ.
ફૂલથી છૂટો પડે, ત્યારે જ ઊડે છે પરાગ,
ને બને છે બાગમાં ત્યારે જ એ મશહૂર સ્હેજ.
– પરાગ રતનપરા
#ગઝલ #અંતર #સંબંધ #પ્રેમ #સમજણ #પરાગરતનપરા
#GujaratiGhazal #HealthyDistance #Relationships #LoveAndSpace #Wisdom #ParagRatanpara