ડિલિવરી બૉય
એને ઊડવાનો શાપ છે —
પાંખ વગર.
દસ મિનિટમાં પિઝા,
વીસ મિનિટમાં દવા,
અડધા કલાકમાં
કોઈના જન્મદિવસની કેક.
એ સિગ્નલ તોડે છે,
વરસાદમાં લપસે છે,
લિફ્ટ વગરના પાંચમા માળે
હાંફતો હાંફતો પહોંચે છે,
ને દરવાજો ખૂલે ત્યાં
અડધો ખૂલેલો હાથ
પૅકેટ લઈ લે છે.
‘રેટિંગ આપજો, સાહેબ.’
રાતે બાર વાગ્યે
એ પોતાના ઘરે પહોંચે છે,
ત્યારે એની દીકરી
ઊંઘી ગઈ હોય છે.
એ આખા શહેરને
સમયસર પહોંચે છે,
બસ,
પોતાના ઘરે જ
રોજ
મોડો પડે છે.
– પરાગ રતનપરા