← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધીમો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મિત્રો,
તમે આગળ ચાલો.
મારા પગમાં
હવે
ઘૂંટણ નથી,
વર્ષો છે.

હું
દરેક બાંકડે બેસીશ,
દરેક ઝાડને
નામથી બોલાવીશ,
દરેક બાળકની
દડી
પાછી આપીશ.

તમે
સમયસર પહોંચશો,
હું
મોડો પહોંચીશ —
પણ મારા ખિસ્સામાં
રસ્તાની
એક એક વાત હશે.

ને જો
ન પહોંચું,
તો શોધતા નહીં.
સમજજો
કે કોઈ બાંકડે
તડકો
મને ગમી ગયો,
ને હું
ત્યાં જ
રોકાઈ ગયો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆજ છેઆગલો લેખ →ઘડીક તડકો, ઘડીક છાંયો