ધરતી મારી મા
ધરતી મારી મા, એનો ખોળો ગંગાની ધાર,
એની માટીમાં ઊગ્યા છે અમે, એનો જ અમને આધાર.
હિમાલય એનો મુગટ ઝળહળે, સાગર ધૂએ પાય,
ખેતરમાં લહેરાતો ઘઉં, એની લીલી સાડી કહેવાય;
કોઈ બોલે બંગાળી, કોઈ ગુજરાતી, તમિળ,
ભાષા જુદી, હૈયું એક, એ જ એનો શણગાર…
ધરતી મારી મા…
સરહદ ઉપર જાગે જવાન, ને ખેતરમાં ખેડૂત,
મા કાજે બંને જાગે છે, બંને એના સપૂત;
શાળામાં બાળક ભણે ને ગાય ‘જનગણમન’નું ગાન,
એ જ અમારી પૂજા, એ જ અમારો તહેવાર…
ધરતી મારી મા…
પરાગ કહે: દેશ નથી કોઈ નકશાની લીટીઓ,
એ તો કરોડો હૈયાં વચ્ચે ગૂંથેલી પ્રીતિઓ;
થોડું ઝાડ વાવીએ, થોડું સાચું બોલીએ, ભાઈ,
મા માગે છે બસ એટલો નાનો સરખો પ્યાર…
ધરતી મારી મા…
– પરાગ રતનપરા