ધખતો વૈશાખ
ધખ ધખ ધખતો વૈશાખ, ને લૂ વાય રે,
ખેતરને શેઢે મારો ધણી શેકાય રે.
ભાતું લઈ હું નીકળી, ને ઉઘાડા પગ દાઝે,
ઠંડી છાશનો ઘડૂલો ને રોટલો લઈ હરખે આજે;
બાવળના ઝીણા છાંયે બેસી મારો સાજન ખાય રે…
ધખ ધખ ધખતો…
આકાશે ન વાદળ એક, ન પંખી એક ઊડે,
કૂવાનાં તળિયાં સૂકાં, ને ઢોરાં હાંફે ઊંડે;
તોય ધણી ગાતો ગાતો ખેતરે હળ હંકાય રે…
ધખ ધખ ધખતો…
પરાગ કહે: આ તડકો તો છે મેઘ તણો સંદેશો,
જેટલો આજે ધખશે, એટલો વરસશે, એવો ભરોસો;
તાપ સહી લે, તે જ ખેડુના ઘરમાં ધાન ઊભરાય રે…
ધખ ધખ ધખતો…
– પરાગ રતનપરા