ધબકાર
હૉસ્પિટલના મૉનિટર પર
તારા હૃદયની લીલી રેખા
ઊંચી-નીચી થાય છે.
ડૉક્ટર કહે છે:
‘નૉર્મલ છે.
બોંતેર ધબકારા પ્રતિ મિનિટ.’
એ મશીનને ક્યાં ખબર છે
કે પહેલી વાર
મેં તને જોઈ હતી ત્યારે
એ જ રેખા
કેવો હિમાલય ચડી ગઈ હતી?
ને આજે
તું આંખ ખોલે
એની રાહમાં
મારું હૃદય
એ મૉનિટર સામે
ઊભું ઊભું
તારી જ રેખાના તાલે
ધબકતાં શીખી ગયું છે.
– પરાગ રતનપરા