← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સેલ્ફી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તારી સેલ્ફીના ખૂણે, સખી, હું ઝાંખો પડછાયો,
તું તો ચાંદ બનીને ચમકી, ને હું ‘ક્રૉપ’માં કપાયો!

ગુલાબ લઈને આવ્યો’તો, તેં ફોટામાં ઝાલ્યું ફૂલ,
‘લાઇક’ આવી સો સો, પણ મારું નામ ગઈ તું ભૂલ;
કૅપ્શનમાં તેં લખ્યું ‘સેલ્ફ-લવ’, ને હું ત્યાં જ મૂંઝાયો…
તારી સેલ્ફીના…

દરિયાકાંઠે ફરવા ગ્યાં, તેં સો સો ફોટા પાડ્યા,
મોજાં આવ્યાં, મોજાં ગ્યાં, પણ પગ ના પાણીમાં નાખ્યા;
સૂરજ ડૂબ્યો ત્યાં લગ તારો ‘ઍન્ગલ’ ના સમજાયો…
તારી સેલ્ફીના…

પરાગ કહે: પ્રેમ તો ભાઈ, છે આંખોનો ઝબકારો,
કૅમેરાથી નહીં ઝિલાય આ હૈયાનો ધબકારો;
ફોન મૂકીને જોજે મુજને, હું તો ત્યાં જ સમાયો…
તારી સેલ્ફીના…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખએકલાઆગલો લેખ →ધબકાર