ઢાંક્યા
તમારા દોષ પાલવમાં ભરી, કેવા ગુના ઢાંક્યા,
હસીને સૌ સગાંઓના અમે ઘા પણ ઘણા ઢાંક્યા.
ઘરે મોડા પિતા આવે, લથડતા પગ, નમેલું શિર,
સવારે બાળકોથી મા બધા એના નશા ઢાંક્યા.
ન બોલ્યો કોઈને, ખેંચી સદા મેં બાંય કોણી લગ,
તમે જે શબ્દ મારેલા, બધા એ ઉઝરડા ઢાંક્યા.
સભા નીચું નિહાળે છે, હસે કૌરવ ઘણા ત્યારે,
કનૈયે ચીર પૂરીને સભાના સૌ દગા ઢાંક્યા.
હતી દુર્ગંધ બાગે પણ, પરાગે મ્હેક વેરીને
બગીચાના બધા મેલા અને કાળા ખુણા ઢાંક્યા.
– પરાગ રતનપરા
#ગઝલ #ક્ષમા #ત્યાગ #મૌનવેદના #સહનશીલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Forgiveness #SilentSuffering #Grace #Compassion #ParagRatanpara