ઢાળ
નવા મૉલનાં પગથિયાં
આરસનાં છે —
ચમકતાં, ઊંચાં,
સ્વાગત કરતાં.
બાજુમાં
એક સાંકડો ઢાળ પણ છે,
વ્હીલચેર માટે.
એ ઢાળ
રોજ સવારે
સફાઈ કામદારોની
ડોલ મૂકવાના કામમાં આવે છે.
વ્હીલચેરવાળો છોકરો
રોજ નીચે ઊભો રહીને
ડોલ ખસે
એની રાહ જુએ છે.
ઇમારત તો
સૌને માટે ખુલ્લી છે;
માત્ર રસ્તો
થોડોક વાંકો છે.
– પરાગ રતનપરા