ધાબે એકલા
ઉતરાણ છે.
સોસાયટીનાં ધાબાં પર
સ્પીકર ગાજે છે,
ને છોકરાં
ફોનમાં રીલ બનાવે છે.
ચોથા માળના ધાબે
એક ડોસા એકલા
ફીરકી પકડીને ઊભા છે.
પતંગ ચડાવે છે —
ધીમે, શાંતિથી,
કોઈ પેચ નહીં,
કોઈ બૂમ નહીં.
દોરી ખૂટવા આવી
ત્યાં સુધી ઢીલ આપી.
પછી
દાંતેથી દોરો કાપી નાખ્યો.
મેં પૂછ્યું:
‘કાકા, પતંગ જાતે કેમ છોડી દીધો?’
એ આકાશ સામે જોઈ બોલ્યા:
‘તારી કાકીને
ઉતરાણ બહુ ગમતી.
એનું સરનામું
ત્યાં ઉપર ક્યાંક છે.’
સાંજે
આખા શહેરના પતંગ કપાયા.
એક જ પતંગ
પહોંચ્યો.
– પરાગ રતનપરા