ધાબળો
પચાસ શિયાળા
અમે એક જ ધાબળો ઓઢ્યો.
આખી રાત
એ ધીમે ધીમે
ધાબળો પોતાની તરફ ખેંચતી,
ને હું
ઊંઘમાં હોવાનો ડોળ કરી
ખેંચાવા દેતો.
સવારે એ કહેતી:
‘તમે બહુ જગ્યા રોકો છો!’
ને હું હસી પડતો.
આ શિયાળે
આખો ધાબળો મારો છે.
કોઈ ખેંચતું નથી.
પથારીમાં
પૂરેપૂરી જગ્યા છે.
છતાં
આટલી ઠંડી
પહેલાં ક્યારેય
નહોતી લાગી.
– પરાગ રતનપરા