ધાબળાનું દાન
શિયાળાની રાતે
ફૂટપાથ પર સૂતેલા
એક વૃદ્ધને
ધાબળો ઓઢાડવા
દસ જણ આવ્યા.
એકે ધાબળો પકડ્યો,
બીજાએ વૃદ્ધનો હાથ,
ત્રીજાએ બૅનર,
ને બાકીના સાતે
મોબાઇલ.
‘જરા ઊંચું જુઓ, બાપા,
હસો જરા.’
બીજે દિવસે
છાપામાં ફોટો હતો —
‘સેવાભાવી સંસ્થાનું ઉમદા કાર્ય.’
ધાબળો
ત્રણ રાત ચાલ્યો.
ફોટો
હજી ચાલે છે.
બાપા કહેતા’તા —
અમારે ત્યાં
દાન જમણો હાથ કરે
તો ડાબાને ખબર ન પડે.
હવે તો
દાન થાય
એ પહેલાં
ગામ આખાને ખબર પડે છે.
– પરાગ રતનપરા