દીકરીનો ઓરડો
લગ્નના માંડવા છૂટી ગયા,
મહેમાનો ગયા,
ઢોલ ઠરી ગયા.
હું દીકરીના ઓરડામાં ગયો.
પલંગ પર
એનો જૂનો દુપટ્ટો,
ટેબલ પર
અડધું વાંચેલું પુસ્તક —
પાનું વાળેલું,
જાણે કાલે આવીને
આગળ વાંચશે.
ને અરીસા પર
એક નાનો લાલ ચાંદલો
ચોંટેલો રહી ગયો છે.
રોજ સવારે
હું એ ચાંદલો લૂછવા જાઉં છું,
ને રોજ
હાથ પાછો વાળી લઉં છું.
આ ઘરમાં હવે
એ જ એક સૂરજ બચ્યો છે,
જે કદી આથમતો નથી.
– પરાગ રતનપરા