દીકરી
દીકરી
પહેલી વાર
સાઇકલ શીખતી હતી.
હું પાછળથી
સીટ પકડીને દોડતો હતો,
ને એ ચીસો પાડતી હતી:
‘પપ્પા, છોડતા નહીં!
છોડતા નહીં!’
થોડે દૂર જઈને
મેં હાથ છોડી દીધો.
એ ખબર વગર
આગળ નીકળી ગઈ,
હસતી,
પવનમાં વાળ ઉડાડતી.
આજે
એ પરદેશ જવા
વિમાનમાં બેઠી છે.
ફરી એ જ ક્ષણ છે.
હું હજી
હવામાં હાથ રાખીને
દોડી રહ્યો છું,
ને મારા હોઠ પર
એના જ શબ્દો છે:
‘છોડતી નહીં…
છોડતી નહીં…’
– પરાગ રતનપરા