ભૂંસી શકું?
એક દી બોલી ગયો, એ વાતને ભૂંસી શકું?
આંસુથી ભીની થયેલી રાતને ભૂંસી શકું?
આયનામાં કોઈ બીજો રોજ દેખાતો મને,
ઓળખાતી ના, હવે એ જાતને ભૂંસી શકું?
ફોન આવ્યો રાતના, ને બા ગયાની એ ખબર,
જે હૃદય ફાડી ગયો, આઘાતને ભૂંસી શકું?
એક વીંટી, એક ચિઠ્ઠી, ને સુકાયું એક ફૂલ,
એમણે આપેલ એ સોગાતને ભૂંસી શકું?
આ પરાગે હાથ ખોલી ઈશને પૂછ્યું ફરી,
‘આ લકીરોમાં લખેલી ભાતને ભૂંસી શકું?’
– પરાગ રતનપરા
#ગઝલ #સ્મૃતિ #પસ્તાવો #વિરહ #નિયતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Memories #Regret #Loss #Fate #ParagRatanpara