દરિયાલાલ
ઊંડે ઊંડે લઈ જા મુજને, દરિયાલાલ રે,
કાંઠાનાં છીપલાંથી થાક્યું મારું વ્હાલ રે.
મોજાં સાથે રમતાં રમતાં વીત્યો આખો ભવ,
ફીણ ગણીને હરખ્યો હું તો, જાણે મોતી સવ;
તળિયાનું અંધારું ઓઢી દે મોતીનો થાળ રે…
ઊંડે ઊંડે લઈ જા…
શ્વાસ ખૂટે તો ખૂટે, મારે પાછા નથી રે ફરવું,
કાંઠે જીવી જીવી જોયું, હવે અંદર ઠરવું;
ડૂબે એ જ તરે છે, એવો તેં શીખવ્યો કમાલ રે…
ઊંડે ઊંડે લઈ જા…
પરાગ કહે: આ કવિતા પણ છે ખારો ઊંડો દરિયો,
ઉપર ઉપર શબ્દ તરે, ને અર્થ તળે સંઘરિયો;
જે ડૂબ્યો એ મોતી લાવ્યો, બાકી સૌ કંગાલ રે…
ઊંડે ઊંડે લઈ જા…
– પરાગ રતનપરા