જિંદગીના ચોપડે
ખર્ચ આગળ, બાદ આવક, જિંદગીના ચોપડે,
લોક વાંચે છે મને સહુ સાદગીના ચોપડે.
દૂધ, ભાડું, ફીસ, હપ્તા ઉંબરે ઊભા સદા,
પાંચમે દી’ નામ મારું બેબસીના ચોપડે.
લોટના ડબ્બે છુપાવી’તી બચત બાએ જરી,
એ જ મૂડી કામ આવી બંદગીના ચોપડે.
બોસ બોલ્યા: ‘આ વરસ મંદી, જરા ધીરજ ધરો,’
ને નવી ગાડી ખરીદી દિલ્લગીના ચોપડે!
આ પરાગે ગીત વેચ્યાં, ઘર છતાં ચાલ્યું નહીં,
નામ ઊંચું થઈ ગયું બસ શાયરીના ચોપડે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #પગાર #મધ્યમવર્ગ #મોંઘવારી #પરાગરતનપરા
#GujaratiGhazal #SalarySatire #MiddleClassLife #Inflation #MonthEndBlues #ParagRatanpara