દરજી
ગલીના ખૂણે
રફીકચાચાનો સંચો.
પચાસ વરસથી
એ લોકોનાં કપડાં સીવે છે —
લગ્નની શેરવાની,
નિશાળનો ગણવેશ,
ને ક્યારેક
કફન પણ.
એ કહે છે:
‘માપ તો શરીરનું લઉં છું, બેટા,
પણ ટાંકા
મનના લેવા પડે.’
ગયા વરસે
તોફાન થયાં,
ગલીઓ વહેંચાઈ ગઈ —
આ બાજુ, પેલી બાજુ.
રફીકચાચાની દુકાન બળી ગઈ.
પણ બંને બાજુનાં ઘરોમાં
હજી પણ
એમણે સીવેલાં કપડાં
લોકો પહેરે છે.
કોઈ
એ ટાંકા
ઉકેલી શક્યું નથી.
– પરાગ રતનપરા